Wednesday 12 February 2014

પ્રમોશન થી htat ભરતી માટે ન્યુઝ

રાજ્યની ધોરણ-૧થી ૮ વર્ગ વાળી ચાર હજાર પ્રાથમિક શાળાઓમાં બઢતીથી મુખ્ય શિક્ષકોની ભરતી કરવામાં આવનાર છે. મુખ્ય શિક્ષક તરીકે સીઆર તપાસવાનો આદેશ આપવામાં આવ્યો છે. ઉપરાંત બઢતી મેળવનાર શિક્ષકોની કામચલાઉ યાદી પ્રસિદ્ધ કરીને વાંધા મંગાવવાની કાર્યવાહી હાથ ધરવા તમામ જિલ્લાઓના પ્રાથમિક શિક્ષણાધિકારીઓને આદેશ આપવામાં આવ્યા છે.
બઢતીવાળા શિક્ષકોની કામચલાઉ યાદી પ્રસિદ્ધ કરવાની સૂચના આપી
પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા ફરજિયાત શિક્ષણ અધિનિયમ મુજબ રાજ્યની ધોરણ-૧થી ૮ વર્ગ ધરાવતી પ્રાથમિક શાળાઓમાં બઢતીથી ચાર હજાર મુખ્ય શિક્ષકોની ભરતી કરવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. મુખ્ય શિક્ષકની ભરતીમાં સીધી તથા બઢતીથી એમ બે પધ્ધતિ અપનાવવામાં આવી રહી છે. તેમાં સીધી ભરતી અંતર્ગત જિલ્લા પસંદગીની કામગીરી ઉમેદવારો દ્વારા કરાવવામાં આવી રહી છે. જ્યારે બઢતીથી મુખ્ય શિક્ષકની ભરતી માટે શિક્ષણ વિભાગે કડક નિયમો બનાવવામાં આવ્યા છે અને તે અંગે તમામ જિલ્લાના પ્રાથમિક શિક્ષણાધિકારીઓને જરૂરી આદેશો આપી દેવામાં આવ્યા છે.
મુખ્ય શિક્ષક તરીકે બઢતી મેળવનારા શિક્ષકોના છેલ્લા પાંચ વર્ષના સીઆર તપાસવાનો આદેશ કરવામાં આવ્યો છે. ઉપરાંત સીઆરમાં વાંધાજનક બાબત ધ્યાનમાં આવે તો તેવા શિક્ષકોને બઢતી આપવામાં આવે નહી તેવો આદેશ શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવ્યો છે. વધુમાં મુખ્ય શિક્ષક તરીકે બઢતી મેળવનાર શિક્ષકોની કામચલાઉ યાદી બનાવી સંબંધિત શાળાઓના આચાર્યોને મોકલી આપી બઢતીવાળા શિક્ષકો અથવા અન્ય શિક્ષકોમાં કોઈ વાંધા હોય તે મંગાવવાનો પણ આદેશ કરાયો છે. ઉલ્લેખનીય છે કે જિલ્લામાં ૬૧ મુખ્ય શિક્ષકની ભરતી અંતર્ગત કામચલાઉ યાદી પ્રસિદ્ધ કરી દિન સાતમાં વાંધા મંગાવવામાં આવ્યા છે.