Monday 9 March 2015

સોશિયલ મિડીયા પર અફવાઓ

સોશિયલ મિડીયા પર અફવાઓ

whatsapp
મિત્રો, આજના સોશિયલ મિડીયાના આ યુગમાં કોઇ વ્યક્તિ વ્હોટ્સએપ, હેંગઆઉટ્સ, ફેસબુક, ટેલીગ્રામ વગેરે જેવી એપ્લીકેશન ન વાપરતા હોય તેવુ ભાગ્યે જ બને! એકબીજા સાથે જોડાઇ રહેવા માટે અને સાંપ્રત પ્રવાહોથી માહિતગાર રહેવા માટે આ એપ્સનો ઉપયોગ પણ કરવો જ જોઇએ. જો કે હાલમાં આ બધી એપ્સ કોઇના કોઇ કારણે દરેક વ્યક્તિઓ માટે ટાઇમપાસ અથવા તો માથાનો દુખાવો બની જવા પામી છે. ખાસ કરીને આ એપ્સમાં બનાવવામાં આવતા ગ્રુપ્સ દ્વારા... મોટા ભાગે આ પ્રકારના સોશિયલ મિડીયામાં બિનજરૂરી મેસેજનો મારો ચલાવવામાં આવે છે જેમાં ખાસ કરીને ભગવાનના ફોટા તેમજ ગુડમોર્નીંગ, ગુડ નાઇટ વગેરે... એક જ વ્યક્તિને અલગ અલગ 100-200 લોકોના ગુડ મોર્નીંગ લખેલા મેસેજ આવે અને તે બધાના જવાબ પણ આપવાના!
ઉપર લખી તે બધી બાબતોને જરા વાર માટે સાઇડ પર મુકી દઇએ તો સોશિયલ મિડીયાના પોઝીટીવ ઉપયોગોને નજરઅંદાજ કરી શકાય નહી.. જેમકે, સ્પર્ધાત્મક પરીક્ષાઓના વિદ્યાર્થીઓ આ પ્રકારના ગ્રુપ બનાવી એકબીજા સાથે માહિતીની આપ-લે કરી શકે, કોઇ મુદ્દા પર ચર્ચા છેડી શકે વગેરે, પણ આવી યોગ્ય પ્રકારની ગ્રુપ ડિસ્કશન કરનારા વિદ્યાર્થીઓ કેટલા? કદાચ 2-3% જ!!! અન્ય વિદ્યાર્થીઓ આ પ્રકારની એપ્સ દ્વારા ફક્ત અને ફક્ત પોતાનો સમય વેડફે છે તેવુ જોવામાં આવ્યું છે. આવા વિદ્યાર્થીઓ આ એપ્સ વાપરવાનુ બંધ કરી અને તે સમય વાંચવા માટે ફાળવે તો કદાચ કોઇ સ્પર્ધાત્મક પરીક્ષામાં પાસ થઇ જ જાય તેવુ કહેવામાં પણ અતિશયોક્તિ નથી.
ઉપરની બાબતો સુધી સોશિયલ મિડીયાના ફાયદા-ગેરફાયદા તો ઠીક હતા પરંતુ છેલ્લા થોડા મહિનાઓથી આ પ્રકારની એપ્સમાં અફવાઓના માર્કેટે જોર પકડ્યું છે અને એ પણ સિરિયસ ગણી શકાય તેવી અફવાઓ જેમકે, 1. Finally a new law passed by modi today, as per IPC 233, if a girl is suspected to be raped or getting raped, then she has the supreme rights to kill the man, injure his sexual part or harm that person as dangerously and girl won’t be blamed as murder, 2. ફિલ્મ જગતની અપૂર્ણીય ક્ષતિ, પ્રસિદ્ધ અભિનેતા દિલીપ કુમારનું લીલાવતી હોસ્પિટલમાં નિધન, 3. પાવાગઢ રોપ-વેમાં આગ, 7 લોકોના મૃત્યુ, ઘણા ઘાયલ, 4. પોલીસ ભરતીમાં XX,XXX લોકોએ શારીરિક ક્ષમતા કસોટી પાસ કરી (Powered by ABCDwebsite.in), 5. પોલીસ ભરતીની લેખિત પરીક્ષાની તારીખ જાહેર, PSI માટે તા XX-XX-XXXX તેમજ ASI અને કોન્સ્ટેબલ માટે તા. XX-XX-XXXXના રોજ લેખિત પરીક્ષા યોજવામા આવશે વગેરે... 
વિદ્યાર્થી મિત્રો, ઉપર દર્શાવેલ તમામ ન્યૂઝ એ અફવા માત્ર છે જેમાંથી અમુક ન્યૂઝનું ખંડન થઇ ચુક્યુ છે, પાવાગઢ રોપ-વેના કિસ્સામાં આ પ્રકારની અફવા ફેલાવનારા પર પોલીસ ફરિયાદ પણ થઇ ચુકી છે. પોલીસ ભરતીના કિસ્સાની વાત કરીએ તો, 1-2 સેન્ટરના ડેટા જાણ્યા બાદ સ્પષ્ટપણે કહી શકાય છે કે શારીરિક ક્ષમતા પાસ કરેલ વિદ્યાર્થીઓનો આંકડો એ અફવા માત્ર છે. લેખિત પરીક્ષા બાબતમાં જોઇએ તો, ઓફિશીયલ જાહેરાતમાં સ્પષ્ટ લખ્યુ છે કે, PSI અને ASI બન્ને માટે કાયદાના પ્રશ્નપત્ર સિવાય કોમન પરીક્ષા લેવાનાર છે, ત્યારે બન્ને માટે અલગ અલગ તારીખોની અફવા ફેલાવનાર કોંચીંગ સેન્ટરના ‘સાહેબ’ ભુલ કરી ગયા હોય તેવુ જણાય છે. આવા સાહેબોએ સૌ પ્રથમ જાહેરાત આખી વાંચ્યા બાદ જ અફવા ફેલાવવી જોઇએ તેવી મારી વણમાંગી અને મફતની સલાહ છે. વ્હોટ્સએપ પર અમુક પ્રકારના જનરલ નોલેજના મેસેજ પર પણ વિશ્વાસ કરતા પહેલા બીજા સંદર્ભ પુસ્તકો સાથે સરખાવી લેવાની સલાહ આપવામાં આવે છે જેમકે, બજારમાં ફરતા એક મેસેજ અનુસાર કૉફી ઉત્પાદનમાં ભારત પાંચમા ક્રમે છે, જ્યારે હકિકતમાં ભારત છઠ્ઠા ક્રમે બિરાજમાન છે.
નિષ્કર્ષ: વ્હોટ્સએપ પર આવતા દરેક ન્યૂઝ સાચા સમજવા નહી તેમજ ‘ગાંડા’ની જેમ તેનો પ્રચાર પ્રસાર કરવો નહી એ જ એક ભારતીય નાગરિક તરીકેની ફરજ છે. 
--R. I. Jadeja